મિસ્રની કબરમાં જેટલી પણ વસ્તુઓ જોવા મળે છે તે તમામ ચર્ચાનું કેન્દ્ર બને છે. વર્ષ 1922માં બ્રિટિશ પુરાતત્ત્વવિદ હોવર્ડ કાર્ટરે જ્યારે મિસ્રના રાજા તુતનખામેનની કબર ખોદી હતી ત્યારે સમગ્ર દુનિયા આશ્ચર્ય પામી ગઇ હતી. મિસ્રના ઇતિહાસમાં તુતનખામેનનું નામ સૌથી પ્રખ્યાત રાજાઓમાંના એક રાજાઓમાં આવે છે. તેમને `કિંગ ટુટ’ નામથી પણ ઓળખવામાં આવતા હતા. તેમનું નિધન માત્ર 17 વર્ષની વયે જ થઇ ગયું હતું. તેમની કબરમાંથી અંદાજિત 5000થી પણ વધુ વસ્તુઓ જોવા મળી હતી. જેમાંથી સોનાનું ડેથ માસ્ક, મૂર્તિઓ, હથિયાર ઉપરાંત કેટલાંક હાડકાંઓ પણ જોવા મળ્યાં હતાં. તેમાં કેટલાંક પગરખાં પણ હતાં. આ પગરખાં પૈકી એક પગરખાંની જોડી સૌથી અલગ તરી આવતી હતી, જેની નોંધ ઇતિહાસકારોએ ખાસ લીધી હતી. તે કલાત્મક તો હતી જ સાથે સાથે તેમાં સત્તાનું પ્રતીક અંકિત કરવામાં આવ્યું હતું. લીલા ચામડામાં બનાવેલાં આ પગરખાંમાં ચામડા સાથે ગોલ્ડની પરત ચઢાવવામાં આવી હતી અને તેમાં બે ચિત્ર બનાવવામાં આવ્યાં હતાં. એક ચિત્રમાં એશિયાનો કેદી અને બીજામાં આફ્રિકન કેદી દેખાય છે. જેમના હાથ પણ બાંધેલા હતા! ટૂંકમાં, તે સમયે પણ સત્તા, વિચાર અને શક્તિ આ રીતે પણ પ્રદર્શિત થતી હતી.

Page Sorce https://sandesh.com/supplement/news/ardhasaptahik/medieval-tunnel-found-while-digging-grave