જર્મનીમાં કબર ખોદતાં મધ્યયુગની સુરંગ મળી

જર્મનીના સેક્સની-આનહાલ્ટમાં કેટલાક પુરાતત્ત્વવિદો બાલેબર્ગ સંસ્કૃતિની અંદાજિત 5000 વર્ષ જૂની પ્રાચીન કબરોનું ખોદકામ કરી રહ્યા હતા.
તે સમયે અચાનક જ મધ્યયુગની સાંકળી સુરંગો મળી જતાં તેમના માટે મોટો તપાસનો વિષય સાબિત થયો હતો. અલબત્ત, આ સુરંગ અત્યાર સુધીનું મોટું રહસ્ય પણ બની રહ્યું છે. પુરાતત્ત્વવિદોએ જ્યારે સુરંગની વિસ્તૃત તપાસ કરી તો તેમાં મધ્યયુગના માટીનાં કલાત્મક વાસણો ઉપરાંત લોખંડની ઘોડાની નાળ મળી આવી હતી. વધુમાં અહીં કેટલાંક જાનવરોનાં હાડકાંની સાથે સાથે પથ્થરોનો ઢગલો તેમજ આગનાં નિશાન મળી આવતાં કુતૂહલ જાગ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરંગના પ્રવેશદ્વાર પર મસમોટા પથ્થરોને એકસાથે રાખવામાં આવ્યા હતા, જેથી પુરાતત્ત્વવિદોએ એવો અંદાજ લગાવ્યો હતો કે આ સુરંગને જાણીજોઈને બંધ કરવામાં આવી હશે. અલબત્ત, પુરાતત્ત્વવિદોએ સુરંગને તપાસ્યા બાદ તે અંદાજો પણ લગાવ્યો હતો કે મધ્યયુગીન સમયમાં આ સાંકળી સુરંગનો ઉપયોગ મુસીબત સમયે ભાગવા માટે તેમજ કુદરતી હોનારતના સમયે કરવામાં આવતો હોઇ શકે છે. હજી પણ આ સુરંગ વિશે વધુ શોધખોળ ચાલી રહી છે.

Page Sorce https://sandesh.com/supplement/news/ardhasaptahik/medieval-tunnel-found-while-digging-grave

Scroll to Top